ગુરુવાર, 19 જુલાઈ, 2012

અશ્રુ.......jugalbandhi

કોણ કહે છે ટીપે ટીપે સરોવર ભરાય, જોઈલો અહીં અશ્રુઓ ના ટીપે ટીપે સાગર ભરાય છે.. બધાજ મિત્રો ના સહયોગથી બનેલી અનોખી અશ્રુઓ ની જુગલબંધી.
તારા અશ્રુ એટલે મને ખારું ખારું ભીંજવી જતો એક ધસમસતો દરિયો.....
તારા અશ્રુ એટલે મારા હૈયાને દઝાડતી અગન જવાળા …
અશ્રુ એટલે સ્વપ્નોની શરારત માટે આંખે ચૂકવેલી ભારે કિંમત...
અશ્રુ એટલે નિરંતર પાંપણ પાછળ છુપાઈને બેઠેલો લાગણી નો ધોધ 
અશ્રુ એટલે અસાધ્ય સ્વપ્નોનો અકાલીન પ્રસવ... 
અશ્રુ એટલે ગાલ પર કાજળની ખારાશભરી રંગોળી..... 
અશ્રુ એટલે ગજ્વેલની છાતી ધરાવતા માં બાપની દીકરી વિદાય સમયની વ્યથા 
અશ્રુ એટલે હૈયાનો ભાર ઓછો કરવા આંખે કરેલી કમાલ.... 
અશ્રુ એટલે કોઈના મરણ પર હૈયા એ કરેલો ચિત્કાર
અશ્રુ એટલે એક ટકો પાણી અને નવ્વાણું ટકા લાગણીઓ.... (ક્યાંક વાંચેલું) 
અશ્રુ એટલે ધુત્કાર પામેલા માબાપની દયનીય દશા 
અશ્રુ એટલે વર્ષો બાદ સ્વજનો સાથેના મિલનનો આનંદ 
અશ્રુ એટલે અવ્યક્ત લાગણીના પડઘા..... 
અશ્રુ એટલે કાન્હાના વિરહમાં રાધાની આંખોમાં દેખાતી વેદના 
અશ્રુ એટલે મીરાંના દબાયેલા ડુસકા..... 
અશ્રુ એટલે હૈયાને ઝંઝોલતી કુણી કુણી લાગણીઓ
અશ્રુ એટલે હૃદયના દરિયે બાષ્પીભવન થયેલી લાગણીઓથી બનેલું વાદળ...... 
અશ્રુ એટલે તારી યાદોમાં ભીંજાતી મારી પાલવની કોર....
અશ્રુ પછીનું તારું સ્મિત એટલે ચોમાસાના પહેલા વરસાદ પછીનો ઉઘાડ..... 
અશ્રુ એટલે તારે હૈયે ઉભરતી સંવેદનાઓને અપાતો આકાર
અશ્રુ એટલે મારા આત્મસન્માનનો એક પ્રકાર..... 
અશ્રુ એટલે આત્મીયતા નો અહેસાસ
અશ્રુ એટલે મારી આંખોના આકાશમાં રચાતું તારા નામનું મેઘધનુષ એટલે વાદળે બાઝેલું સ્મિત... 
અશ્રુ એટલે અસ્તિત્વના પર્વતેથી ઉતરી આવેલું એક ઝરણ..... 
અશ્રુ એટલે રોજ સવારે પર્ણ પર સ્નેહથી બાઝેલી ઝાકળ ની બુંદો 
અશ્રુ એટલે સૂર્યના પ્રખર તાપે તપતી ધરા પ્રત્યે વરસતા વરસાદ નો પારવાર સ્નેહ....
અશ્રુ એટલે મનમાં વાવેલી સંવેદનાનો ઉછરેલો એક છોડ..... 
અશ્રુ એટલે સુદામાના તાંદુલ ને આરોગતા કાનજીની આંખોમાં ઝળહળતો પ્રેમ 
અશ્રુ એટલે દિકરી પાછળથી આવી આંખો પર હાથ મુકે ત્યારે ભીંજાયેલું એક સ્પંદન.... 
અશ્રુ એટલે તીખું તમતમતું મરચું ખાતા એકદમ વેહ્તું ખારું પાણી :)
અશ્રુ એટલે વીતેલી ઋતુની યાદમાં વાદળને આંખેથી ટપોટપ ખરેલા બૂંદ.... 
અશ્રુ એટલે ક્યારેક ન કહેવાયેલું કથન..... 
અશ્રુ એટલે દીકરીને સુખી જોઈ માં બાપની આંખોમાં દેખાતો હર્ષ 

અશ્રુ એટલે નીશબ્દ યાદ ની કવિતા 
અશ્રુ એટલે બરોડાથી બોસ્ટન વળાવેલી દીકરીને ફોન કરતા બે છેડે ફરી વળેલી ખામોશી..... 
અશ્રુ એટલે સુકાઈ ગયેલી લાગણીઓને ભીનાશ આપતી વાચા .
અશ્રુ એટલે તમામ સ્વરો ગુંથેલા વ્યંજનો..... 
અશ્રુ એટલે શીતળ ચાંદનીમાં તુજ સંગાથે વિતાવેલી એક સાંજની યાદ....
અશ્રુ એટલે ક્યારેક નહિ આવેલી સાંજની ફરિયાદ..... 
અશ્રુ એટલે લાગણી નું ગુંજતું ગીત 
અને અશ્રુ એટલે હાર્મોનિયમની ધમણમાંથી નહિ ઉદભવી શકેલો સ્વર.... 
અશ્રુ એટલે ઝૂમતા વરસાદ ના કાંઠે નીશબ્દ રાગ મલ્હાર 
અશ્રુ એટલે રાતભર ઓશીકે એકલી આળોટતી હું ને તારી યાદ.....
અશ્રુ એટલે સ્મિત ને આવકાર આપ તી છંદ કે તાલ વગર ની લયબદ્ધ રાગીની 
અશ્રુ એટલે મારા દિલને ચીરતું એક અણીદાર તીર 
અશ્રુ એટલે શ્વાસ પણ લેવા ન પામે આ અબોલા આપણા મૌન ....
અશ્રુ એટલે હું રડું તો તમારા નયનમાં ભેજ મળે....
અશ્રુ એટલે, મુજ લાગણીઓ ને તુજ વાચા... 

2 ટિપ્પણીઓ:

  1. અશ્રુ એટલે .. "આ પસ્તાવો વિપુલ ઝરણુ સ્વર્ગ થી ઉતર્યુ છે પાપી તેમાં પુનિત થઈને પુણ્યશાળી બને છે....આ અશ્રુ એટલે દિલ કે શિશેકા તુટના....આ અશ્રૂ એટ્લે પાણી જ પાણી...આ અશ્રુ એટલે યે સુલઘતી વાદિયાં....આ અશ્રુ એટલે કોઇ યાદ આના...આ અશ્રુ એટલે હૈયા નો ઉમળકો..મનોમંથન ની વ્યાકુળતા..આ અશ્રુ એટલે તારા વગર..........આ અશ્રુ એટલે વાતો ના સમંવયે પરિચય ના પગેરું ની ધડ્કન...આ અશ્રુ એટલે "આર્યા" ના પ્રેમીઓના મીઠા શબ્દો .....આ અશ્રુ એટલે મિત્રોની સુગંધી સુવાસ...આ અશ્રુ જોઇ દિલ રડી પડયું...આ અશ્રુ એટલે સમય ને આધીન આ દુનિયા...આ અશ્રુ એટલે સોનેરી કાલ્પનિક દુનિયા ની ભીનાશ...આ અશ્રુ એટલે ઝાંઝવાના જળમાં ભાગે જીન્દગી એકલી....આ અશ્રુ એટલે દિકરી.....આ અશ્રુ એટલે.. છીપબુંદ મોતીડાં ની પુષ્પાંજલી...આ અશ્રુ એટલે ઢીંગલા-ઢીંગલી ના ખરતા તારલા......આ અશ્રુ એટલે ભારતની યાદ..આ અશ્રુ એટલે આપણી કવિતા....

    આજે શ્વાસમાં કંઇક ભરાઈ ગયું છે..
    ચંદ્ર પુકાર થી બસ છેડાઈ ગયું છે...
    સામા મળ્યા સાદ ને જોડાઈ ગયું છે..
    આવું જોડાણ ક્યાંથી સંધાઈ ગયું છે...
    મળ્યા વગરેય સાદ થી લજાઈ ગયું છે...
    -રેખા શુક્લ

    જવાબ આપોકાઢી નાખો
  2. આંસુ!


    ક્યારેક મીઠા,ક્યારેક ખારા, ક્યારેક ઠંડા - ગરમ આંસુ!

    વહે છે હર એક પ્રસંગે ભાવનાશીલ માણસ નાઆંસુ!

    મીઠા છે તો એ છે મિલન ના ખુશી ના - સ્નેહ ના આંસુ!

    ખોયા જેણે નિજ સ્વજન ને , વિરહા ના ખારા આંસુ!

    નીકળી ગયી હશે જ્યારે કોઇ બદ દુઆ વહ્યા હસે ગરમ આંસુ!

    આપી હશે કોઈ ના મન ને શાતા, વહ્યા હસે ઠંડા આંસુ!

    બની ગયા હશે ગંગાજળ સમ પવિત્ર પ્રાયશ્ચિત ના આંસુ!

    રિમ-ઝિમ વરસી રહ્યો સે વરસાદ છે એ ઈશ્વર ની ખુશી ના આંસુ!

    સપૂત ખોયા છે માત્રુભૂમિ એ, માતા વહાવી રહી છે આંસુ!

    આંખો વરસી રહી છે ચોધાર ક્યં સુધી વહેતા રહે છે માસૂમો ના આંસુ?

    ગોધરા હો યા કાલુચાક, કાશ્મીર હો યા નકસલબારા નેતાજી તો વહાવશે મગરમચ્છ ના આંસુ!

    કોઈ તો જઈ ને પૂછો એમને, લૂછ્યા છે કોઇ દિ દીનદુખીયા ના આંસુ?

    ઈશ્વર દે હવે તુ સદ્બુધ્ધિ આ રક્ત પિપાસુ ઓ ને.....

    ભલા તમે પણ વહાવતા રહેશો આ રક્ત ના આંસુ!?

    જવાબ આપોકાઢી નાખો