મંગળવાર, 4 સપ્ટેમ્બર, 2018

પ્રીતનાંં ઘેલાં


પ્રીતનાંં ઘેલાં અમે તો પ્રીતનાં ઘેલાં, અમારા મીન સરોવરના નાતા; મીન સરોવરના નાતા, અમથી મૂક્યા નથી મૂકાતા- અમે તો .... સરોવર સૂકાતાં હંસ ઊડીને, થીર બીજે થઈ જાતા; વિણ પાંખુંના વિહંગડાં અમે, જળ સાથે ઝડપાતાં- અમે તો... ધણને ઘાએ અગનની ફૂંકે, ગાળ્યા એમ ગળાતાં; ખાખ થયા વિણુ આઘા ન ખસતાં, લોઢા લાકડે જડાતાં- અમે તો .... માનવ માટીના જુગજુગ જૂના, સબંધ નિભાવ્યે જાતાં; માંડવે ચોરીના માટ મસાણે, આગ લઈ આગળ થાતાં- અમે તો... એવી લગન છે કલમ અણીથી, અગળાં થઈ સુકાતાં; લહિયા આ સાહ્યું લીલી ન જાણજે, ખૂંટી ધૂળ્ય ખાતાં- અમે તો... કાદવ સરખાં દાદ' કે' કલેવર ને નીર સાથે નાતા; વેઠવા વસમા વિયોગ એના, હૈયાં ચીરાઈ જાતાં- અમે તો... ----કવિ 'દાદ'

પગલાંની માળા


પગલાંની માળા
વીણી વીણીને ભેગાં કરિયાં, સપનાં બધાં સુવાળાં;
નજર ગૂંથે પગલાંની માળા.
બે ચાંચડિયે એક જ તરણુંં, લઈ ઊડતાં લટકાળાં;
મનડાં અમે એમ ગૂંથ્યાં'તાં જેમ સુધરીના માળા-
નજર ગૂંથે પગલાંની માળા.
ઈ વાટડીએ વન ઊગ્યાં, જ્યાં હાલ્યાં'તાં પગપાળાં; 
વિંખાઈ ગયા છે આજ વિસામા, ગોંદરા નદિયું ગાળા-
નજર ગૂંથે પગલાંની માળા.
બાંધ્યાં અંગ દિશા ના સૂઝે, ક્યાં કરવાં ઊતારા;
આસરો દઈ ઊડાડી મૂક્યાં, વલખે પાંખુવાળા- 
નજર ગૂંથે પગલાંની માળા.
આવન જાવન રહી ન કોઈ, ઊંધી ગયાં અજવાળાં;
બંધ કરી ધર બેસી ગયાં છે, સૂન ઘરને તાળાં-
નજર ગૂંથે પગલાંની માળા.
મરી ગયાં 'દ્વાદલં મધલાળે, ઊગરવા નહીં આરા;
તાણે તાણે તૂણાઈ ગયાં, જેમ કરોળિયે જાળાં, 
નજર ગૂંથે પગલાંની માળા.
----કવિ 'દાદ'