સોમવાર, 11 મે, 2015

કવિતા કરે ટહુકાર

કવિતા સળવળે જ્યારે યાદો ને સળ પડે 
-રેખા શુક્લ
કાળ ભમ્મર ઘેરાયા, વાદળ કરે પૂકાર
ચુંદડી એ ચિતરાયા, મોરલા કરે ટહુકાર
----રેખા શુક્લ

તુ કવિતા નો કાગળ

તુ કવિતા નો કાગળ, કેલેન્ડર નું પાનું ,બાળકો પાટી માં એકડો ઘૂંટે ને તેમ ઘૂંટુ છું હું તને. તને એટલે મને પણ ...તારું નામ હોવું ક્યાં જરૂરી છે ? અનુભવની વ્યાસપીઠ પર બેસીને પ્રવચન નથી આપવું ...કોઈ વચન ની આપલે પણ નથી કરવી, બાળક બનીને જોવો છે તને અને તું એક બાળક છે તેની તને ક્યાં ખબર છે? તું એટલે દુનિયા...તું એટલે દુનિયાથી વિખુટો પડેલો..ઘરનો ટૂકડો મારી ઘડિયાળમાં નહીં બંધાયેલો સમય...મારા ગીતનો લય..સાંજ નો મિજાજ ...સવારનું ખુલ્લુ આકાશ..ટેરવા પર સચવાયેલો સમય..તારું પરબિડિયું ખાલી આવે છે પણ, સુગંધથી છલોછલ હોય છે..મને ગમે છે તને ખોટું નથી લાગતું તે...મને ગમે છે તું મને દેખાવડા માટે કશું જ નથી કરતો તે...ખોટું લગાડવા કરતા..સાચુ લગાડીને જીવે છે તું ...શ્વાસ લે છે તું  અને દિવસ મારો લંબાય છે .કંપ્યુટર ના કી-બોર્ડ પર ફરતી તારી આંગળીઓનો અવાજ મને ફોન પર સંભળાય છે અને ત્યારે તારા ટેરવાં નો થનગનાટ પામી શકું છું.અરે તું આવે ને તો ઘરની છત પર આકાશ નું ઝુમ્મર લટકાવી દંઉ..અને તું આવે ને તો ત્યાંજ ઉભો રહેજે હો ! હું તને લેવા આવીશ, મળવાના રસ્તાનું રસ્તાનું માણસો ને ન પૂછ..આસપાસ ઉભેલા વૄક્ષો ને પૂછજે..પણ મને એ તો કહે તારા આવવાનો રસ્તો કયો છે? અને મારી પાસે આવવા માટે તારી પાસે કોઈ રસ્તા ની જરૂર છે ખરી? ..હું શરીર છોડી ને ક્યાંક વેરાયેલી પડી હોંઉ ને,ત્યારે તું મને વિણી ને ભેગી કરજે..તારો સ્પર્શ મને મારા હોવાને પતંગિયું કરી નાંખશે, તારે જ્યારે આવવું હોય ત્યારે આવજે, કેલેન્ડર ના પાના ઓને દિવસ દરમ્યાન બનેલી બધીજ ઘટનાઓની ક્યાં ખબર હોય છે? દુઃખ તો ત્યારે થાય છે કે કોઈ કાગળનું પાનુ કેલેન્ડરની તારીખ બની જાય છે. કવિતા લખીને શાશ્વત રેહવા જન્મેલો કાગળ કેલેન્ડર ની તારીખનું પાનુ બનીને પસ્તી થઈ ગયું . તું આવે ને તો તારીખના બધા જ આંકડાઓ ને લાલ રંગમાં ફેરવી નાંખુ પણ તું આવીશ ક્યારે ? સમય ની દિવાલની બીજી બાજુ પર વધારે પડતી છબીઓ લગાડવાને કારણે પ્લાસ્ટરમાં તિરાડો પડી ગઈ છે. અને તારી છબી છે કે જે તિરાડો ને ઢાંકી રહી છે.રડવાની મૌસમમાં તું ડૂમો થઈ ને આવશે ને તો પણ ચાલશે..મળવાની મૌસમ માં તરજુમો થઈને યાદના ઘટાદાર વૄક્ષનો છાંયડો ઉઠી ને આવશે ને તો પણ ચાલશે..ચલાવી લેવું મારી ફરિયાદ નથી આ, જરૂરિયાત પણ નથી..હું તને અડધે અડધો મળું છું તો પણ તને આખેઆખો તને મારી સાથે ક્યાંક મારામાં સંતાડું છું અને પછી ભૂલકણા માણસો ની જેમ તારી શોધખોળ ચાલે છે ને લોકો એને જીવન કહે છે. તારો એક અંશ પણ મળે ને તેમાંથી તને આખેઆખો ઘડી શકું એમ છું. હું સંગીત નો કેળવાયેલો અવાજ નથી મેળવેલું પખાવજ પણ નથી છતાય  મારે તારું ગીત ગાવું છે, તું વરસતો હોય તેવા આકાશ માં ન્હાવું છે. તું કવિતાનો કાગળ, કેલેન્ડરનું પાનું એક નાનકડું બાળક પાટીમાં એકડો ઘૂંટે ને તેમ ઘૂંટું છું હું તને..!!..(અગ્નાત)