મંગળવાર, 4 સપ્ટેમ્બર, 2018

પગલાંની માળા


પગલાંની માળા
વીણી વીણીને ભેગાં કરિયાં, સપનાં બધાં સુવાળાં;
નજર ગૂંથે પગલાંની માળા.
બે ચાંચડિયે એક જ તરણુંં, લઈ ઊડતાં લટકાળાં;
મનડાં અમે એમ ગૂંથ્યાં'તાં જેમ સુધરીના માળા-
નજર ગૂંથે પગલાંની માળા.
ઈ વાટડીએ વન ઊગ્યાં, જ્યાં હાલ્યાં'તાં પગપાળાં; 
વિંખાઈ ગયા છે આજ વિસામા, ગોંદરા નદિયું ગાળા-
નજર ગૂંથે પગલાંની માળા.
બાંધ્યાં અંગ દિશા ના સૂઝે, ક્યાં કરવાં ઊતારા;
આસરો દઈ ઊડાડી મૂક્યાં, વલખે પાંખુવાળા- 
નજર ગૂંથે પગલાંની માળા.
આવન જાવન રહી ન કોઈ, ઊંધી ગયાં અજવાળાં;
બંધ કરી ધર બેસી ગયાં છે, સૂન ઘરને તાળાં-
નજર ગૂંથે પગલાંની માળા.
મરી ગયાં 'દ્વાદલં મધલાળે, ઊગરવા નહીં આરા;
તાણે તાણે તૂણાઈ ગયાં, જેમ કરોળિયે જાળાં, 
નજર ગૂંથે પગલાંની માળા.
----કવિ 'દાદ' 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો